અમે પોલીસ છીએ. તમે દેહ વેપારનો ધંધો કરો છો ? બળાત્કારના કેસમાં ફસાવી દઇશું. તેવી ધમકી આપી રૂપિયા 1.66 લાખની લૂંટ ચલાવનાર ટોળકીને આધેડના પરિવારજનોએ યુક્તિ પૂર્વક ઝડપી પાડીને પોલીસ ના કર્યા હવાલે

વડોદરામાં આધેડનું અપહરણ કરીને 1.50 લાખની લૂંટ, પરિવારજનોએ 2 શખ્સને પકડીને પોલીસ હવાલે કર્યાં અમે પોલીસ છીએ. તમે દેહ વેપારનો ધંધો કરો છો ? બળાત્કારના કેસમાં ફસાવી દઇશું. તેવી ધમકી આપી રૂપિયા 1.66 લાખની લૂંટ ચલાવનાર ટોળકીને આધેડના પરિવારજનોએ યુક્તિ પૂર્વક ઝડપી પાડીને પોલીસ હવાલે કરી હતી. આધેડને પોતાની મોપેડ ઉપર એક મહિલાને નિમેટા ગાર્ડન પાસેથી આપેલી લિફ્ટ ભારે પડી હતી. વડોદરા શહેરના 9-302, અર્થ એમ્બ્રોસીટ, સમા-સાવલી રોડ ઉપર 74 વર્ષિય યોગેશભાઇ ચંપકલાલ શાહ પરિવાર સાથે રહે છે. 4 ફેબ્રુઆરીના રોજ તેઓ પોતાની મોપેડ લઇને સવારે દર્શન કરવા માટે નીકળ્યા હતા. આજવા રોડ ઉપર એક વ્યક્તિને નિમેટા ગાર્ડન સુધી લિફ્ટ આપી હતી. ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે એક 35 વર્ષિય મહિલાએ લિફ્ટ માંગતા તેણે લિફ્ટ આપી હતી. મહિલાને નજીકમાં ઉતારતા જ એક રિક્ષા તેઓની મોપેડ પાસે ઉભી થઇ ગઇ હતી. અને તેઓને એક્ટિવા ઉપરથી ઉતારી રિક્ષામાં અપહરણ કર્યું હતું ઓટો રિક્ષામાં સવાર વ્યક્તિઓએ આધેડને જણાવ્યું કે, અમે પોલીસ છીએ. તમે દેહ વેપારનો ધંધો કરો? તમને બળાત્કારના કેસમાં ફસાવી દઇશું. આખી જિંદગી જેલમાં કાઢવી પડશે. તેવી ધમકી આપી હતી. ગભરાઇ ગયેલા યોગેશભાઇએ છોડી દેવા માટે આજીજી કરતા ટોળકીએ રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. તે સમયે ટોળકીએ આધેડના ખિસ્સામાંથી રૂપિયા 7000 રોકડા લૂંટી લીધા હતા. બાકીની રકમ લેવા માટે ટોળકી તેઓને રિક્ષામાં બેસાડી સમા-સાવલી રોડ પરથી પસાર થતી કેનાલ સુધી લઇ આવી હતી. ત્યાંથી તેઓને તેમની એક્ટીવા ઉપર મોકલ્યા હતા. અને તેઓ સાથે ટોળકીનો એક વ્યક્તિ ગયો હતો. યોગેશભાઇએ ઝંઝટમાંથી બચવા પત્ની પાસેથી એક્સિડેન્ટના બહાને રૂપિયા 1.50 લાખ લઇને  ટોળકીના સાગરીતને આપી રવાના કર્યો હતો. અને બાકીના રૂપિયા 3.50 લાખ માટે ગુરૂવાર-શુક્રવારનો વાયદો કર્યો હતો ખોટી રીતે ફસાઇ ગયેલા યોગેશભાઇએ જમાઇ ચિરાગ શાહને સમગ્ર ઘટનાની વાત કરી હતી. જમાઇએ તેઓના 3 મિત્રોની મદદ લીધી હતી. અને યુક્તિ પૂર્વક ટોળકીને બાકીના રૂપિયા લેવા માટે સમા કેનાલ સોલાર પ્લાન્ટ પાસે બોલાવી ટોળકીના બે સાગરીતો સલિમ સિદ્દીકમીયાં શેખ (રહે. 58, સંગમ ક્વાટર્સ-1, આજવા રોડ) અને દાઉદ ફકીર ઘાંચી (રહે. તરસાલી)ને દબોચી લઇ સમા પોલીસના હવાલે કરી દીધા હતા. દરમિયાન સમા પોલીસે ઝડપાયેલા બે વ્યક્તિઓના આધારે આ ગુનામાં ફરાર ઠાકોર ઇશ્વર પટેલ (રહે. ગોરવા ગામ), અનિલ રાણા (રહે. ફતેગંજ) અને એક મહિલાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Post a Comment

0 Comments