આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુરૂવાર રાત્રે દિલ્હી કથિત લીકર પોલિસી કૌભાંડમાં ઈડીએ ધરપકડ કરી હતી.
દિલ્હી કોર્ટમાં ઈડી અને કેજરીવાલના ત્રણેય વકિલોની દલીલો પૂર્ણ થઈ હતી. ત્યારબાદ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, ઈડીએ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ત્યારે કોર્ટે કેજરીવાલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દિલ્હી કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડમાં મોકલ્યા છે. હવે તેમની 7 દિવસ સુધી પૂછપરછ થશે. જોકે, કેજરીવાલ નીચલીકોર્ટના હુકમ સામે ઉપલી કોર્ટમાં જઈ શકે છે
પોલિસી તૈયાર કરવામાં કેજરીવાલની સીધી સંડોવણી : ઈડી
ઈડીએ દલીલ રજુ કરી હતી કે, કેજરીવાલની દિલ્હી લિકર પોલિસી તૈયાર કરવામાં સીધી સંડોવણી છે અને બે વખત રોકડ ટ્રાન્સફર કરાયા છે. પહેલા 10 કરોડ અને પછી 15 કરોડ રૂપિયા અપાયા છે. મુખ્યમંત્રીએ આ રકમ ગોવા અને પંજાબની ચૂંટણી માટે ફંડ માટે ટ્રાન્સફર કરી છે. તેમણે કેસ સંબંધિત ઘણાં ઈલેક્ટ્રોનિક પુરાવાનો નાશ કર્યો છે. કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સામે લીકર પોલિસી દ્વારા 600 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. ઈડી તરફથી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) રાજુએ તો કેજરીવાલ તરફથી વકીલો અભિષેક મનુ સિંઘવી, વિક્રમ ચૌધરી અને રમેશ ગુપ્તાએ દલીલો રજૂ કરી હતી.
કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી શું બોલ્યાં?
કેજરીવાલ વતી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, શું ઈડીએ ધરપકડ કરવી જરૂરી હતી? તમારી પાસે સત્તા છે એનો મતલબ એ નથી કે તમે ધરપકડ જ કરો? ધરપકડનો હક અને તેની જરૂરિયાત બંને અલગ વસ્તુ છે. બધા પુરાવા મનમુજબ ઘઢી કાઢેલા છે. તમારી પાસે બધુ જ છે તો પછી રિમાંડની શું જરૂર છે? ઈડી ફક્ત 3-4 નામનો જ ઉલ્લેખ કરી રહી છે. સિંઘવીએ કહ્યું કે ઈડીએ પીએમએલએનો કેસ સાબિત કરવો પડશે. કેજરીવાલની ધરપકડ કેમ? કસ્ટડીમાં લઈને જ પૂછપરછ કરવાની ક્યાં જરૂર છે? પહેલીવાર કોઈ મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી છે. સિંઘવીએ કહ્યું કે હાલ ધરપકડની જરૂર નહોતી. ચૂંટણી પહેલાં જ ધરપકડ કરાઈ છે. ચૂંટણી પહેલાં આવા પગલાં શા માટે? પહેલીવાર આપના તમામ મોટા નેતાઓની ધરપકડ કરાઇ. નિષ્પક્ષ ચૂંટણી જ બંધારણનો આધાર છે.
28 પાનાના પુરાવાના આધારે રિમાંડ માગ્યા
ઇડીએ આ દરમિયાન કોર્ટમાં એક ચેટ પણ રજૂ કરી હતી જેમાં પૈસાની લેવડ-દેવડ વિશેની વાત હતી. જેમાં પૈસા રોકડા કે પછી બેન્ક ખાતા સ્વરૂપે આવશે તેનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ઈડીએ કહ્યું કે કુલ ચાર રુટ પરથી પૈસા ગોવા મોકલાયા હતા. વિજય નાયરની એક કંપનીમાંથી આ પુરાવા હાથ લાગ્યા હતા. ઈડીએ કુલ 28 પાનાના પુરાવા રજૂ કર્યા હતા અને તેના આધારે કેજરીવાલના રિમાંડની માગ કરી હતી.
0 Comments